- 23 વર્ષના અર્જુનને ડેબ્યૂમાં કોઈ વિકેટ મળી ન હતી
- અર્જુને ભુવનેશ્વર કુમારની વિકેટ લઈને તેની પ્રથમ આઈપીએલ વિકેટ લીધી હતી
- સચિનની ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ
દિગ્ગજ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરને તેમના પુત્ર પર ગર્વ છે. તેમના પુત્ર અર્જુને IPLમાં તેની પ્રથમ વિકેટ લીધી અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે મુંબઈ ઈન્ડિયન્સની 14 રને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી.
અર્જુને રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે આઈપીએલની શરૂઆત કરી હતી. તેઓ IPLમાં રમનાર પ્રથમ પિતા-પુત્રની જોડી બન્યા છે.
23 વર્ષના અર્જુનને ડેબ્યૂમાં કોઈ વિકેટ મળી ન હતી. તેણે તેની બે ઓવરમાં 0/17ના આંકડા સાથે રમત પૂરી કરી હતી. SRH સામે પણ તે તેના સ્પેલની પ્રથમ બે ઓવરમાં વિકેટ વિનાનો હતો. પરંતુ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના સુકાની રોહિત શર્માએ યુવા ખેલાડીમાં 20 રનનો બચાવ કરવાનો વિશ્વાસ દર્શાવ્યો, ત્યારે અર્જુન અપેક્ષાઓ પર ખરો ઉતર્યો અને સારી બોલિંગ જ કરી નહીં પણ તેણે પાંચ બોલમાં માત્ર 5 રન જ આપ્યા.
તેમજ અર્જુને ભુવનેશ્વર કુમારની વિકેટ લઈને તેની પ્રથમ આઈપીએલ વિકેટ લીધી હતી. અર્જુનના પિતા સચિને જેઓ છ વર્ષ સુધી IPLમાં પણ રમ્યા હતા, તેમણે મુંબઈ ઈન્ડિયન્સની જીતની હેટ્રિક બાદ ટ્વીટ કર્યું અને કહ્યું- મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ફરી એકવાર શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન. કેમેરોન ગ્રીને બોલ અને બેટ બંનેથી પ્રભાવિત કર્યા. ઈશાન અને તિલકની શાનદાર બેટિંગ. IPL દિનપ્રતિદિન રોમાંચક બની રહી છે. છેવટે તેંડુલકરની પાસે પણ હવે આઈપીએલની વિકેટ છે.
મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટને પણ અર્જુનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ યુવા ખેલાડી ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે અને તેની યોજનાઓને લઈને સ્પષ્ટ છે. અર્જુન ત્રણ વર્ષથી આ ટીમનો ભાગ છે. તે જાણે છે કે તેણે શું કરવાનું છે. તે આત્મવિશ્વાસથી ભરપૂર છે. તે તેની યોજનાઓમાં સ્પષ્ટ છે. તે નવા બોલને સ્વિંગ કરવાનો પ્રયાસ કરે છે અને ડેથ ઓવરોમાં યોર્કર ફેંકે છે. મુંબઈ પ્રથમ 5 મેચમાં ત્રણ જીત બાદ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. 5 વખતની ચેમ્પિયન ટીમ આગામી 22 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે ટકરાશે.