- છેલ્લાં પાંચ વર્ષમાં અખાત્રીજની ખરીદીએ ફાયદો કરાવ્યો
- સોનાના ભાવ ઊંચા હોઇ ખરીદી કરવી કે કેમ ? તેની ગ્રાહકોમાં દ્વિધા
- વડોદરામાં સોનું લગડીના 10 ગ્રામના ભાવ રૂ.62800 રહ્યા હતા
આગામી તા.22મીના રોજ અખાત્રીજના શુભ દિવસે સોના ચાંદીની ખરીદી કેવી રહે છે તેની ઉપર જ્વેલર્સોએ મીટ માંડી છે.
હાલમાં સોનાના ભાવમાં આગ ઝરતી તેજી ચાલી રહી છે. આજે વડોદરામાં સોનું લગડીના 10 ગ્રામના ભાવ રૂ.62800 રહ્યા હતા. જ્યારે ચાંદી એક કિલોના રૂ.77000 હતા.
આ સ્થિતિમાં અખાત્રીજે નાગરિકો કેવી ખરીદી કરશે તેની ઉપર જ્વેલર્સોની મીટ મંડાઇ છે.જો કે છેલ્લા પાંચ વર્ષમાં અખાત્રીજની સોનાની ખરીદી ગ્રાહકો માટે લાભકારક રહી હોવાનું બહાર આવ્યું છે. સોનાના અખાત્રીજના રોકાણે પાંચ વર્ષમાં 85 ટકાની કમાણી કરાવી આપી હોવાનું બહાર આવ્યું છે તેથી આ વખતની અખાત્રીજની ખરીદી પણ શુકનવંતી રહે તેવી અપેક્ષા જ્વેલર્સો રાખી રહ્યા છે. જોકે આ વર્ષે નાગરિકોને સોનાની ખરીદી મોંઘી પડી શકે છે તે પણ કેટલાક જણાવે છે. ગ્રાહકો પણ શુકનવંતી થોડી જ ખરીદી કરવી તેમ માને છે.
અખાત્રીજનો દિવસ કિંમતી ધાતુઓ, જમીન- મકાન , વાહનની ખરીદી માટે શુભ મનાય છે. અખાત્રીજે શુકન વંતી ખરીદી માટે સોના – ચાંદી ઉપર કેટલાક પસંદગી ઉતારે છે. રશિયા – યુક્રેનના યુધ્ધની વૈશ્વિક અસર, અમેરિકાના વ્યાજ દર ઉપર કાપ મુકાવવાની શક્યતા , આર્થિક મંદી તરફ જઇ રહેલું વિશ્વ, ફુગાવાનો ભય અને રાજકીય આર્થિક અનિશ્ચિતતા જેવા ભયને લીધે સોનું સલામત રોકાણ તરીકે બહાર આવ્યું છે.
કેટલાક એમ માને છેકે, આગામી સમયમાં હજી પણ સોના – ચાંદીના ભાવમાં વધારો આવી શકે છે. આમ છતાં જેમણે અગાઉ અખાત્રીજે સોનું ખરીદ્યું છે તેમને લાભ થયો છે. પાંચ વર્ષમાં જ સોનામાં અંદાજે 85 ટકા જેટલો અને ચાંદીમાં 75 ટકા વળતર મળ્યું હોવાની દલીલ થાય છે. અખાત્રીજે ગ્રાહકો ખરીદી માટે પ્રેરાય તે માટે અગ્રણી જ્વેલર્સો એ વિવિધ સ્કીમ પણ રજૂ કરી છે. જેમાં ઘડામણ ઉપર વળતર આપવાનો પણ સમાવેશ થાય છે. ઉંચા ભાવના પગલે ખરીદ શક્તિને અસર પડી રહી હોવાના પગલે ગત વર્ષની તુલનાએ આ વર્ષે ખરીદીમાં પણ ઘટાડો આવી શકે તેવી શક્યતાઓ જોવા મળે છે. બીજી તરફ કેટલાક સોનાની ખરીદી ડિજીટલી કરશે.
નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.