- મારિયો જાપાનીઝ પ્લમ્બર છે. તે જાપાનીઝ છે. મશરૂમ ગાર્ડનમાં રહે છે
વેકેશન ચાલે છે. આજથી વીસ વર્ષ પહેલાં વેકેશનમાં સૌથી ગમતી પ્રવૃત્તિ કઈ હતી? ત્યારે બાળકો પાસે મોબાઈલ ફોન ન હતા. તો ટીવી. સાથે વીડિયો ગેમનું સેટઅપ જોડીને વીડિયો ગેઇમ રમવી એ બેસ્ટ ટાઇમપાસ હતો. ઘણી બધી ગેઇમ્સ હતી પણ એમાંથી મારિયો એકમાત્ર એવી ગેમ હતી જે પ્લેયર્સની બાબતમાં જેન્ડર ન્યુટ્રલ હતી.
અર્થાત્ છોકરો હોય કે છોકરી બધાને મારિયો ગમે જ. પરિવારના બધા સભ્યોને આ જાપાનીઝ પાત્ર ગમતું. મારિયોએ આપણાં દિલોદિમાગ ઉપર રાજ કર્યું છે. વેકેશન એટલે મારિયો એવું કહેવામાં પણ ખાસ અતિશયોક્તિ નહીં. જાપાનીઝ કંપની નિંતેન્દોએ બનાવેલું આ પાત્ર અમર થઈ ગયું. વીડિયો ગેઇમનું કોઈ પણ પાત્ર બસ્સો જેટલી જુદી જુદી ગેઇમમાં દેખાયું નહીં હોય. આ એક રેકોર્ડ છે. મારિયો જેટલી લોકપ્રિયતા વીડિયો ગેઇમના જમાનામાં બીજા એક પણ પાત્રને મળી ન હતી. એક પ્લમ્બર વિશ્વવિખ્યાત થયો હતો.
મારિયો જાપાનીઝ પ્લમ્બર છે. તે જાપાનીઝ છે. મશરૂમ ગાર્ડનમાં રહે છે. તેના ભાઈનું નામ લુઇજી છે. લુઈજીમાં રહેલો જી એટલે ગુજરાતી-હિન્દીમાં આદર આપવા માટે નામ પાછળ લગાડવામાં આવતું `જી’ નહીં. તેની સાઈઝ ટિપિકલ જાપાનીઝ માણસ જેવડી છે એટલે કે ઓછી છે. પણ તે રમતિયાળ છે. તેને સતત કૂદકા મારવા જોઈએ છે. પણ તેનો કોન્ફિડન્સ ગજબનાક છે. તેણે એક પછી એક સ્ટેજ પસાર કરવાનાં હોય છે. છેલ્લે તેણે પ્રિન્સેસને બચાવવાનો છે. પ્રિન્સેસ એક વિલન કાચબા દૈત્યના કબજામાં છે. તે દૈત્ય કાચબો મોઢામાંથી ડ્રેગનની જેમ આગ ઓકતો રહે છે. આટલી સાદી સ્ટોરી છે અને જુદાં જુદાં સ્ટેજ આ વાર્તાનો બેકડ્રોપ છે.
મારિયો તો ચાલીસેક વર્ષ જૂનું પાત્ર છે. તેની ઉપર આની પહેલાં ફિલ્મ પણ બની જ ગઈ છે. વીડિયો ગેમમાં તે ખૂબ પોપ્યુલર થયો તેનું એક મોટું કારણ આ ગેઇમનું મ્યુઝિક છે. મારિયોનું માત્ર મ્યુઝિક સાંભળવું પણ આજની જનરેશનને ગમે છે. મારિયો ગેઇમનું મ્યુઝિક એટલે બાળપણમાં પાછું પહોંચી જવું તે. નોસ્ટાલ્જિક ફીલિંગ આપવા સક્ષમ છે મારિયો અને તેનું માત્ર મ્યુઝિક. પણ મારિયો એ જમાનામાં બની હતી જ્યારે કમ્પ્યૂટર યુગ ન હતો. એનેલોગ સિસ્ટમમાં ગેઇમ બનેલી. માટે જેમનાં ગ્રાફિક્સ અને તેના કમાન્ડ બહુ સાદા લાગે. અત્યારની અત્યાધુનિક ગેઇમ્સની સરખામણીમાં આ જૂના જમાનાનું લાગે, પરંતુ મારિયોનો ક્રેઝ એવો હતો અને એવો છે કે હજુ પણ તે રમવામાં જેવી મજા આવે એવી ગમે તેટલા લેટેસ્ટ પ્લે સ્ટેશન રમવામાં પણ નથી જ આવતી. યુવા વિરાટવાચકો આ વાત સાથે સહમત થશે કે મારિયો કી બાત કુછ ઔર હી થી.
વીડિયો ગેમ ઉપરથી ઘણી ફિલ્મો બની છે. લાસ્ટ ઓફ અસ નામની ખૂબ સરસ વેબ સીરિઝ પણ હમણાં આવી જે એક ગેઇમ ઉપરથી બની છે. મારિયો જેવા પાત્ર ઉપરથી સારી સ્ટોરી ધરાવતી ફિલ્મ બનાવવી અઘરી જ પડે. સુપર મારિયો બ્રોસ ફિલ્મ છે મજાની પણ ફ્લેટ છે. વાર્તા ખાસ નથી. સ્ક્રીનપ્લે નબળો છે. એનિમેશનમાં તો જાપાનીઝ લોકોની માસ્ટરી છે એટલે એમાં કંઈ કહેવા જેવું નથી. પણ આ ફિલ્મ માત્ર બાળકો માટે છે અથવા તો બાળક બની શકતા દર્શકો માટે છે. ફિલ્મ જોતા હોય તો એવું જ લાગે કે જાણે વીડિયો ગેઇમ રમાઈ રહી છે. ડાબેથી જમણી તરફ સીધી લીટીમાં આગળ વધતો મારિયો, લીલા રંગના ભૂંગળાં – પાઇપમાં જતો મારિયો, જુદા જુદા પોઇન્ટ કે પાવર મેળવતો મારિયો, મશરૂમ ખાઈને મોટો થઈ જતો મારિયો, પ્રિન્સેસને બચાવવા મરણિયો થતો મારિયો… સુપર મારિયો બ્રોસ ફિલ્મમાં આ બધું છે જે વીડિયો ગેઇમમાં હતું.
પણ ફિલ્મ નબળી બની. જોકે દર ત્રણ મિનિટે વાર્તામાં વળાંક આવે કે નવો નવો સેટ આવે. માટે મનોરંજનનું તત્ત્વ ભરપૂર છે પણ એ મનોરંજન બાળકોને વધુ મળે. બહુ આશા લઈને ગયા હોય તો આ ફિલ્મ નિરાશ કરી શકે એવું બને, કારણ કે આ ફિલ્મમાં ઊંડાણ નથી. ફ્લેટ ફિલ્મ છે, પરંતુ વેકેશનમાં ઊંડાણ કોને જોઇએ? મારિયો મોજ કરાવે એમ જ વેકેશનનો એક દિવસ વસૂલ થઈ જાય.
મારિયોની એક સારી વાત એ છે કે આ પાત્રે આપણને એક એવા વ્યવસાયિક માણસની કદર કરાવી જેના ઉપર આપણે ખાસ ધ્યાન આપતા નથી હોતા – પ્લમ્બર. તેનો ઉચ્ચાર પ્લમર થાય. આપણે પ્લમ્બરના નંબર પણ પ્લમ્બર લખીને જ મોબાઈલમાં સેવ કરીએ છીએ. પણ સુપર મારિયો ધ પ્લમ્બર તો આખી દુનિયામાં છવાયો અને અબજોની કમાણી પણ કરી. કોઈ પણ કામ નાનું નથી હોતું એ સુપર મારિયોના પાત્રને જોઈને સમજાય.