– શાહરુખ સહિત અનેક કલાકારોએ બ્લૂ ટીક ગુમાવી
– શાહિદે ‘મેરે બ્લૂ ટીક કો કિસને ટચ કિયા, ઈલોન તુ વહી રુક મૈ આ રહા હું’ની મીમ બનાવ્યું
મુંબઇ : માઈક્રો બ્લોગીંગ પ્લેટફોર્મ ટ્વિટર દ્વારા કોઈ એકાઉન્ટ એ વેરિફાઈડ એકાઉન્ટ છે તે દર્શાવવા અપાતી બ્લૂ ટીકને હવે પેઈડ બનાવી દેવામાં આવી છે.
અગાઉ થયેલી જાહેરાત મુજબ ગઈ રાતથી જેમણે પૈસા ન ભર્યા હોય તેવા અનેક સેલિબ્રિટીની પ્રોફાઈલ પરથી બ્લૂ ટીક દૂર કરવામાં આવી હતી. તેમાં બોલીવૂડના શાહરુખ અને અક્ષય કુમાર , અજય દેવગણ અને સાઉથના રજનીકાંત સહિતના પણ અનેક કલાકારો ઝપટમાં આવી ગયા હતા. જોકે, સુપરસ્ટાર અમિતાભ બચ્ચને રમૂજી ભાષામાં ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે મેં તો પૈસા ભર્યા છે તો મારી બ્લૂ ટ્વિટ તો રિસ્ટોર કરી દો જેથી લોકોને ખબર પડે કે આ હું જ છું.
અમિતાભ ટ્વિટ કર્યું છે કે, એ ટ્વિટર ભૈયા, સુન રહે હો ? અબ તો પૈસા ભી ભર દિયે હૈ હમ.. તો ઉ જો નીલ કમલ હોત હૈ ના, હમારે નામ કે આગે, ઉ તો વાપસ લગાય દો ભૈયા, તાકિ લોગ જાય જાને કે હમ હી હૈ. અમિતાભ બચ્ચન હાથ તો જોડ લિયે હમ. અબ કા ગોડવા જોડે પડી કા ?
અમિતાભ પોતાની દરેક ટ્વિટને એક ચોક્કસ નંબર આપે છે પરંતુ તેમાં ઘણીવાર ગરબડ થઈ જાય છે અને પછી અમિતાભ સુધારા કરે છે જે એટલા જ ગૂંચવણભર્યા હોય છે. આ સંદર્ભમાં અમિતાભે બીજી ટ્વિટ કરતાં ટ્વિટરને ટિવટ એડિટ કરવાની સગવડ આપવા પણ જણાવ્યું છે.
બીજી તરફ શાહિદ કપૂરે બ્લૂ ટીક જતી રહેતાં પોતાની હીટ ફિલ્મ ‘કબીર સિંઘ’ના ડાયલોગ અને સીન પરથી એક મીમ બનાવ્યું હતું જેમાં લખ્યું હતું કે ‘મેરે બ્લૂ ટીક કો કિસને ટચ કિયા, ઈલન તુ વહી રુક મૈ આ રહા હું’
અદિતી રાવ હૈદરીએ લખ્યું હતું કે એક જમાનામાં એક બ્લૂ ટીક હતી, શું હવે હું અને ટ્વિટર એકસાથે ખુશ રહી શકીશું ?
કોમેડિયન વીર દાસે જણાવ્યું હતું કે કોઈ મારી નકલ કરે કે મારું ડમી એકાઉન્ટ બનાવે તેમાં મને કોઈ વાંધો નથી, બાય બાય બ્લૂ ટીક.
એકટ્રેસ નરગીસ ફખરીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે કોઈપણ વ્યક્તિ પૈસા ભરીને બ્લૂ ટીક મેળવી શકતી હોય તો તેનો મતલબ શું ?
પ્રકાશ રાજે લખ્યું હતું કે ‘બાય બાય બ્લૂ ટીક, તારો સાથ હતો તો સારું લાગતું હતું, પરંતુ હવે તારા વિના પણ ચાલશે, મારા ચાહકો સાથે મારો સંવાદ ચાલુ રહેશે, તું તારું સંભાળજે.’