– અમેરિકામાં હિન્દુ ફોબિયાના વિવાદ બાદ યુકેમાં હિન્દુઓ સામેની નફરતમાં વધારાના કિસ્સા ઃ લેસ્ટરમાં ૧૫ દિવસ સુધી સતત હિન્દુઓ પર હુમલા થયા હતા
– હેન્રી જેકસન સોસાયટીના રીપોર્ટ પ્રમાણે યુ.કે.ની સ્કૂલોમાં હિંદઓ સામેની નફરતના કિસ્સા વધતાં યુ.કે.માં રહેતા હિંદુ પરિવારો એક નવા પડકારનો સામનો કરી રહ્યા છે.
સોસાયટીએ હિંદુ-વિરોધી ધિક્કારની લાગણી કેટલી પ્રબળ છે એ માટે એક સર્વે કરેલો. આ સર્વેમાં જેમને સવાલો કરાયા હતા તેમાંથી 51 ટકા વાલીઓએ કહ્યું કે, સ્કૂલોમાં તેમનાં સંતાનોએ હિંદુ વિરોધી માનસિકતાનો ભોગ બનવું પડે છે અને હિંદુ હોવાના કારણે નફરતનો ભોગ બનવું પડે છે.
અમેરિકામાં હિંદુફોબિયા પેદા કરવાની વધતી જતી પ્રવૃત્તિ સામે જ્યોર્જિયા સ્ટેટની એસેમ્બલીએ ઠરાવ પસાર કર્યો એ ઘટના તાજી છે ત્યાં હવે યુનાઈટેડ કિંગડમ (યુ.કે.)ની એક થિંક ટેંકે ચોંકાવનારો રીપોર્ટ આપ્યો છે. હેન્રી જેકસન સોસાયટી નામની સંસ્થાના રીપોર્ટ પ્રમાણે યુ.કે.ની સ્કૂલોમાં હિંદુઓ સામેની નફરતના કિસ્સા વધતાં યુ.કે.માં રહેતા હિંદુ પરિવારો એક નવા પડકારનો સામનો કરી રહ્યા છે.
સોસાયટીએ હિંદુ-વિરોધી ધિક્કારની લાગણી કેટલી પ્રબળ છે એ માટે એક સર્વે કરેલો. આ સર્વેમાં જેમને સવાલો કરાયા હતા તેમાંથી ૫૧ ટકા વાલીઓએ કહ્યું કે, સ્કૂલોમાં તેમનાં સંતાનોએ હિંદુ વિરોધી માનસિકતાનો ભોગ બનવું પડે છે અને હિંદુ હોવાના કારણે નફરતનો ભોગ બનવું પડે છે.
ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન (એફઆઈઓ) દ્વારા પાંચ વર્ષ પહેલાં આ જ પ્રકારનો સર્વે કરીને સ્કૂલોમાં ભણતા ભારતીય મૂળના વિદ્યાર્થીઓને હિંદુ-વિરોધી પ્રવૃત્તિઓનો ભોગ બન્યા છે કે કેમ એ સવાલ પૂછાયો હતો. એ વખતે ૧ ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓએ હિંદુ-વિરોધી પ્રવૃત્તિઓનો ભોગ બન્યા હોવાનું કહ્યું હતું. માત્ર પાંચ વર્ષમાં અડધાથી વધારે હિંદુ બાળકો હિંદુ-વિરોધી પરિબળોનો ભોગ બની રહ્યાં છે એ વાત ચોંકાવનારી કહેવાય.
આ સર્વેમાં હિંદુ વાલીઓમાંથી ૧૯ ટકાનું કહેવું છે કે, સ્કૂલોને હિંદુ વિદ્યાર્થીઓ સામે ધિક્કારની લાગણી ફેલાવાઈ રહી છે તેની ખબર છે પણ કોઈ પગલાં લેવાતાં નથી. માત્ર ૧૫ ટકા વાલીઓનો એવો મત છે કે, સ્કૂલે આ નફરત ફેલાવવાની પ્રવૃત્તિઓને રોકવા માટે યોગ્ય પગલાં લેવાયાં છે.
આ રીપોર્ટ પ્રમાણે, યહૂદીઓ માટે અલગ ઈઝરાયલની રચના થઈ પછી મુસ્લિમો માટે યહૂદીઓ કટ્ટર દુશ્મન બની ગયા. ઈઝરાયલના કારણે મુસ્લિમો યહૂદીઓને ધિક્કારે છે અને તેમને પરેશાન કરવાની કોઈ તક છોડતા નથી. યુ.કે.માં હિંદુઓ સામે આ જ પ્રકારની ધિક્કારની લાગણી પેદા કરાઈ રહી છે. ભારતમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી પછી હિંદુવાદીઓનો પ્રભાવ વધી રહ્યો છે તેની ખિજ યુ.કે.ના હિંદુ વિદ્યાર્થીઓ પર કઢાઈ રહી છે.
રીપોર્ટમાં ચોકાવનારી વાત એ છે કે, હિંદુ વિદ્યાર્થીઓને ધર્મના નામે નિશાન બનાવાયા હોય એવી ઘટનાઓની ઉચ્ચ સત્તાવાળાઓને જાણ કરનારી કે કોઈ પણ પગલાં લેનારી સ્કૂલોનું પ્રમાણ એક ટકાથી પણ ઓછું છે. તેનો મતલબ એ થયો કે, યુ.કે.ની સ્કૂલો આ પ્રકારની ઘટનાઓને દબાવી દે છે.
આ સર્વે કરનારી હેન્રી જેક્સન ઈન્સ્ટિટયુટ યુ.કે.માં વિદેશનાં લોકો અને ધાર્મિક લઘુમતીઓ અંગે કામ કરવા માટે જાણીતી છે. રીપોર્ટ તૈયાર કરનારાં શેરલોટ લિટલવુડ આરબ અને ઈસ્લામિક સ્ટડીઝનાં સ્કોલર મનાય છે અને પીએચ.ડી. કરી રહ્યાં છે. શેરલોટે ૯૮૮ વાલીઓનો સંપર્ક કરીને આ રીપોર્ટ તૈયાર કર્યો છે.
યુ.કે. સહિતના પશ્ચિમના દેશોમાં એશિયનો એક હોવાની માન્યતા હતી. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે દેશના લોકો એશિયન ગણાય છે ને ગોરા તેમને સરખા જ માનતા હતા. છેલ્લા કેટલાક સમયથી ભારતીયો અને પાકિસ્તાનીઓ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ બન્યા કરતી હતી પણ કોઈ તેને ગંભીરતાથી લેતું નહોતું. ૨૦૨૨ના ઓગસ્ટમાં એશિયા કપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું ને પાકિસ્તાનીઓ હાર ના પચાવી શક્યા તેથી ભારતીયો પર હુમલો કરેલો.
ભારતના રાષ્ટ્રધ્વજને સળગાવાયો હતો ને ભારતીય હિંદુઓનાં ઘરો, દુકાનો પર પણ હુમલા થયા હતા. લેસ્ટરમાં લગભગ ૧૫ દિવસ સુધી સતત હિંદુઓ પર હુમલા થયા હતા. શેરલોટને એ વખતે જે માહોલ જોવા મળ્યો તેના કારણે ભારતીયો અને પાકિસ્તાનીઓ વચ્ચે કેવી નફરત છે તેનો ખ્યાલ આવ્યો. એ વખતે પાકિસ્તાનીઓ હિંદુઓ માટે જે શબ્દો વાપરતા તેના કારણે શેરલોટને સમજાયું કે, આ મુદ્દો ભારત અને પાકિસ્તાનની દુશ્મનાવટનો નથી પણ ભારતીયોના વધતા પ્રભાવ સામેની ઈર્ષાનો છે.
આ ઈર્ષા સીધી રીતે વ્યક્ત કરી ના શકાય તેથી હિંદુઓને પરેશાન કરીને વ્યક્ત કરાઈ રહી છે. હિંદુઓ માટે નફરત પેદા કરાઈ રહી છે.
શેરલોટને વિચાર આવ્યો કે, આ નફરત માત્ર ચોક્કસ લોકોમાં છે કે બાળકો સુધી પણ છે એ તપાસવું જોઈએ. આ માટે તેણે સર્વે કરાવ્યો તેમાં આઘાતજનક તારણો નિકળ્યાં છે.
આ રીપોર્ટ યુ.કે.ની સ્કૂલોને લગતો છે પણ દુનિયાના બીજા દેશોમાં પણ આ જ સ્થિતી હોઈ શકે છે એ જોતાં હિંદુઓએ સાબદા થવાની જરૂર છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાં છેલ્લા કેટલાક સમયથી હિંદુ મંદિરો પર હુમલાની ઘટનાઓ વધી છે. સોશિયલ મીડિયા પર પણ હિંદુઓને નિશાન બનાવવાની પ્રવૃત્તિઓ વધી છે. હવે સ્કૂલોમાં પણ હિંદુ વિદ્યાર્થીઓને નિશાન બનાવીને ધિક્કારની લાગણી પેદા કરાઈ રહી છે એ ગંભીર વાત કહેવાય.
મુસ્લિમ કે ખ્રિસ્તીઓમાં જે લોકો હિંદુઓને ધિક્કારે છે એ લોકો પોતાનાં સંતાનોને પણ હિંદુઓને ધિક્કારવાની તાલીમ આપી રહ્યા છે એ આઘાતજનક વાત કહેવાય. આ રીતે હિંદુઓ તરફ ધિક્કારની લાગણી સાથે મોટી થનારી પેઢી ભવિષ્યમાં શું કરી શકે એ વિચારવાની જરૂર છે. ઉંમર વધશે તેમ આ નફરત ને ધિક્કારની લાગણી પ્રબળ બનશે ને કદી ખતમ નહીં થનારી દુશ્મનાવટમાં ફેરવાઈ જશે.
આ પ્રવૃત્તિઓને રોકવા સ્કૂલોએ આકરાં પગલાં લેવાં પડે. હિંદુ વિદ્યાર્થીઓને રક્ષણ આપવું પડે ને પરેશાન કરનારાંને સજા કરવી પડે. સ્કૂલો એ નહીં કરી શકે તો પછી હિંદુ વિદ્યાર્થીઓ પોતે જવાબ આપતા થશે ને એ જવાબ મૌખિક હોય એ જરૂરી નથી. સ્પ્રિંગને બહુ ના દબાવાય કેમ કે દબાવેલી સ્પ્રિંગ છૂટે ત્યારે સામેવાળાને ઉઠાવીને એવો ફેંકે કે પછી શોધ્યો ના જડે.
હિંદુ વિદ્યાર્થીઓ કાફિર, બળજબરીથી બીફ ખવડાવવાની કોશિશ
યુ.કે.ની સ્કૂલોમાં હિંદુ વિરોધીઓ દ્વારા હિંદુ વિદ્યાર્થીઓ સામે નફરત વ્યક્ત કરવા કરાતી હરકતોની વાત સાંભળશો તો આઘાત લાગી જશે. હિંદુ વિદ્યાર્થીઓની મારપીટ કે તેમને પરેશાન કરવાની ઘટનાઓ તો સામાન્ય છે પણ તેમના પર બીફ (ગૌમાંસ) ફેંકવાની કે પરાણે બીફ ખવડાવવાની કોશિશ કરવાની આઘાતજનક ઘટનાઓ પણ બની છે.
કેટલીક સ્કૂલોમાં એવાં લખાણ પણ લખાયાં છે કે, હિંદુઓ શાકાહારી હોવાથી ફૂડ ચેઈનમાં સૌથી તળિયે છે તેથી અમે તેમને કાચા ચાવી જઈશું. એવી કોમેન્ટ્સ પણ થાય છે કે, જીસસ તમારા ભગવાનોને નર્કમાં મોકલી દેશે. હિંદુ વિદ્યાર્થીઓને ઝાકિર નાઈકના વીડિયો જોઈને મુસ્લિમ બની જવા પણ કહેવાય છે. મુસ્લિમ બની જશો તો જીવન સરળ થઈ જશે, હિંદુત્વ બકવાસ ધર્મ છે કે હિંદુ ધર્મ પાળનારા બધા દોઝખ એટલે કે નર્કમાં જશે એ પ્રકારની કોમેન્ટ્સ પણ સામાન્ય છે. મુસ્લિમ વિદ્યાર્થીઓ હિંદુઓને ધિક્કારથી કાફિર કહીને બોલાવે એ પણ સામાન્ય વાત છે.
આ સિવાય ભારતમાં બનતી રાજકીય ઘટનાઓની પણ સ્કૂલોમાં તરત અસર પડે છે. હિંદુ છોકરીઓને એમ કહીને પરેશાન કરાય છે કે, ભારતમાં તમે અમારી મસ્જિદ કેમ તોડી નાંખી ? જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદ કરાઈ એ મુદ્દે પણ વિદ્યાર્થીઓને પરેશાન કરાય છે.
યુ.કે.માં 10.32 લાખ હિંદુ, 38.68 લાખ મુસ્લિમો
યુ.કે.માં ૨૦૨૧ની વસતી ગણતરી પ્રમાણે હિંદુઓની વસતી ૧૦.૩૨ લાખની આસપાસ છે જ્યારે મુસ્લિમોની વસતી લગભગ ચાર ગણી એટલે કે ૩૮.૬૮ લાખની છે.
યુ.કે.ની કુલ વસતીમાં હિંદુઓનું પ્રમાણ ૧.૭૦ ટકા છે જ્યાર મુસ્લિમોનું પ્રમાણ ૬.૫ ટકા છે. યુ.કે.માં ધર્મની રીતે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પછી હિંદુઓ ત્રીજા સ્થાને છે પણ મુસ્લિમોની વસતી જે પ્રમાણમાં વધી છે એ પ્રમાણમાં હિંદુઓની વસતી નથી વધી.
૨૦૧૧ની વસતી ગણતરી વખતે યુ.કે.માં ૨૭.૮૬ લાખ મુસ્લિમો હતા. યુ.કે.ની વસતીમાં તેમનું પ્રમાણ ૪.૪ ટકા હતું. એક દાયકામાં તેમની વસતી ૧૧ લાખની આસપાસ વધી છે અને યુ.કે.ની કુલ વસતીમાં તેમનું પ્રમાણ દોઢું થઈ ગયું છે. તેની સામે ૨૦૧૧માં હિંદુઓની વસતી ૮.૧૭ લાખ હતી કે જે દસ વર્ષ પછી એટલે કે ૨૦૨૧માં વધીને ૧૦.૩૨ લાખ થઈ છે.
૨૦૧૧માં યુ.કે.ની વસતીમાં હિંદુઓનું પ્રમાણ ૧.૩૨ ટકા હતું જે વધીને ૧.૭૦ ટકા થયું છે. મુસ્લિમોની વસતીમાં ૪૦ ટકાથી વધારે વધારો થયો છે તેની સરખામણીમાં હિંદુઓની વસતીમાં ૨૫ ટકાની આસપાસ વધારો થયો છે.