મુંબઈ : આગામી મેના પ્રથમ સપ્તાહમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો વર્તમાન વર્ષનો અંતિમ વધારો હશે તેવી ધારણાંએ જોર પકડતા ગુરુવારે ડોલર નરમ પડતા વિશ્વસ્તરે સોનાચાંદીમાં ફરી ઉછાળો આવ્યો હતો, જેને પગલે ઘરઆંગણે પણ કિંમતી ધાતુના ભાવ અખાત્રીજ પહેલા નીચા મથાળેથી ઊંચકાયા હતા.
હાલમાં કિંમતી ધાતુમાં રોલરકોસ્ટર જેવી સ્થિતિજોવા મળી રહી છે.મુંબઈમાં સોનામાં અંદાજે રૂપિયા ૭૦૦ જ્યારે ચાંદીમાં રૂપિયા ૧૬૫૦ જેટલો ઉછાળો આવ્યો હતો.
અમેરિકા તથા યુરોપમાં વર્તમાન વર્ષમાં મંદીની શકયતા વધી રહી હોવાથી ક્રુડ તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય રૂપિયામાં ડોલર સામે સુધારો જોવા મળ્યો હતો.
ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે બુધવારે રૂપિયા ૫૯૯૨૧ રહ્યા હતા તે ગુરુવારે રૂપિયા ૬૯૫ વધી રૂપિયા ૬૦૬૧૬ બોલાતા હતા. સોનાએ ફરી રૂપિયા ૬૦૦૦૦ની સપાટી કુદાવી હતી. ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૬૦૩૭૩ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ જે બુધવારે રૂપિયા ૭૪૦૦૦ની અંદર ઊતરી રૂપિયા ૭૩૭૭૫ રહ્યા હતા તે વિશ્વ બજાર પાછળ રૂપિયા ૧૬૪૪ વધી રૂપિયા ૭૫૪૧૯ મુકાતા હતા.
અમદાવાદમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૬૨૪૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના રૂપિયા ૬૨૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૦૦૦ વધી રૂપિયા ૭૫૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનું ઔંસ દીઠ૨૦૦૦ ડોલર જ્યારે ચાંદી ૨૫.૩૧ ડોલર કવોટ કરાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૦૯૬ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૬૦૯ ડોલર મુકાતું હતું.
વર્તમાન વર્ષમાં અમેરિકા તથા યુરોપમાં મંદી આવવાની ધારણાં જોર પકડી રહી છે. મંદીના કિસ્સામાં માગ ઘટવાની શકયતાએ ક્રુડ તેલના ભાવ ઘટાડા તરફી રહ્યા હતા. નાયમેક્સ ક્રુડ પ્રતિ બેરલ ૭૮ ડોલર જ્યારે બ્રેન્ટ ક્રુડ તેલ બેરલ દીઠ ૮૧.૯૨ ડોલર મુકાતું હતું.
વૈશ્વિક કરન્સીઝ સામે રૂપિયાની મિશ્ર ચાલ રહી હતી. ડોલર ૦૯ પૈસા ઘટી રૂપિયા ૮૨.૧૫ બોલાતો હતો જ્યારે પાઉન્ડ ૦૪ પૈસા વધી ૧૦૨.૧૫ રૂપિયા તથા યુરો ૧૯ પૈસા વધી ૯૦.૦૮ રૂપિયા મુકાતો હતો.