- IPLની 35મી મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી
- અમદાવાદમાં રમાયેલી આ મેચમાં ગુજરાતે મુંબઈને 55 રને હરાવ્યું હતું
- ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ નિરાશા વ્યક્ત કરી હતી
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 35મી મેચ 25 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી.
અમદાવાદમાં રમાયેલી આ મેચમાં ગુજરાતે મુંબઈને 55 રને હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા હાર્દિક પંડ્યાની ટીમે 6 વિકેટે 207 રન બનાવ્યા હતા. જીત માટે 208 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 9 વિકેટે 152 રન બનાવી શકી હતી. આ હાર બાદ કેપ્ટન રોહિત શર્મા ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો. તેણે કહ્યું કે, અમે અમારી બોલિંગ પર નિયંત્રણ રાખી શક્યા નહીં અને અંતે વધુ રન આપ્યા. IPL 2023માં મુંબઈની ટીમ સતત બીજી વખત 2 મેચ હારી છે.
અમે વધુ સારી બેટિંગ કરી નથી
ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ નિરાશા વ્યક્ત કરી હતી. પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન તેણે કહ્યું, ‘આ થોડું નિરાશાજનક છે. છેલ્લી ઓવરમાં રન આપતા પહેલા અમે મેચ પર નિયંત્રણ રાખતા હતા. અમારે યોગ્ય બાબતોનો અમલ કરવાની જરૂર છે જેમ કે બેટ્સમેન કોણ છે? જેવી બાબતો, પરંતુ છેલ્લી ઓવરોમાં અમે એવું ન કર્યું અને ઘણા રન આપી દીધા. રોહિતના કહેવા પ્રમાણે, ‘તમારે જોવું પડશે કે દરેક ટીમમાં અલગ-અલગ તાકાત હોય છે. ટાર્ગેટનો પીછો કરવા માટે અમારી પાસે મજબૂત બેટિંગ લાઇન અપ છે. આજે અમારી બેટિંગ કામમાં આવી નહોતી. ઝાકળા પણ વધુ હતી. જો અમે વધુ સારી બેટિંગ કરી હોત તો અમે લક્ષ્યનો પીછો કરી શક્યા હોત. પરંતુ અમે સારી શરૂઆત કરી ન હતી’.
સાતમા નંબરે મુંબઈ
IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી ન હતી. ટીમને પહેલી 2 મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી રોહિત શર્માની ટીમે સતત જીતની હેટ્રિક ફટકારીને જોરદાર વાપસી કરી હતી. પરંતુ છેલ્લી બે મેચમાં મળેલી હાર બાદ ટીમ જીતના પાટા પરથી ખસી ગઈ છે. પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો મુંબઈ સાતમા નંબર પર છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં મુંબઈ ઈન્ડિયન્સે 7 મેચ રમી છે જેમાં ત્રણમાં જીત થઈ છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. સતત બે મેચ હાર્યા બાદ મુંબઈ માટે અંતિમ ચારમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકશે?