- માર્શલ આઇલેન્ડ્સ અને માઇક્રોનેશિયામાંથી સેમ્પલ લેવાયા હતા
- રિપોર્ટ મુજબ આ દવા પંજાબની કંપનીએ બનાવી હતી
- અગાઉ ભારતીય દવાના કારણે એક બાળકનું મોત થયું હતું
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO)એ મંગળવારે જણાવ્યું હતું કે, માર્શલ આઇલેન્ડ્સ અને માઇક્રોનેશિયામાં ભારતીય કંપની દ્વારા બનાવેલ ખરાબ ક્વોલિટીના કફ સિરપ મળી આવ્યા હતા.
આ સિરપમાં અસ્વીકાર્ય માત્રામાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ હતા, જેનું સેવન મનુષ્યો માટે ઝેરી હોય છે અને તે જીવલેણ સાબિત થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના નિયમનકાર, થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન (TGA) દ્વારા ખરાબ સિરપની ઓળખ કરવામાં આવી હતી.
મળી આવેલી ખરાબ ક્વોલિટી સિરપના ઉત્પાદક પંજાબની QP ફાર્માકેમ લિમિટેડ છે, અને હરિયાણાની ટ્રિલિયમ ફાર્મા તેનું વેંચાણ કરે છે. WHOએ જણાવ્યું કે આજ સુધી, ઉત્પાદક કે માર્કેટર બંનેએ WHOને ઉત્પાદનોની સલામતી અને ગુણવત્તા અંગે ગેરંટી આપી નથી. WHOએ કહ્યું કે હલકી ગુણવત્તાની આ દવા અસુરક્ષિત છે અને તેનો ઉપયોગ, ખાસ કરીને બાળકોમાં, ગંભીર ઈજા અથવા મૃત્યુનું કારણ બની શકે છે. તે પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા, પેશાબ કરવામાં અસમર્થતા, માથાનો દુખાવો, બદલાયેલ માનસિક સ્થિતિ અને તીવ્ર કિડનીની ઈજા જેવી અસરો હોઈ શકે છે અને તેનાથી મૃત્યુ થવાનું જોખમ રહેલું છે.