Wednesday, October 4, 2023

મામડિયા ચારણનું વાંઝીયામેણુ દૂર કરવા પરચાધારી જોગમાયા માઁ ખોડિયાર એ ધારણ કરેલો અવતાર…

ગુજરાતનું એક પવિત્ર યાત્રાધામ એટલે માટેલ… કહેવાય છે કે, ચોસઠ જોગણીમાં માઁ ખોડિયારનો ઇતિહાસ અદભૂત છે, ત્યારે વાત કરીશું માઁ ખોડિયારના પ્રાગટ્ય વિષે, જે આજે પણ માઁ હાજરા હજુર છે, જ્યાં લોકો પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે માઁના દર્શને જાય છે.

કહેવાય છે કે, ભગવાન શિવના વરદાનથી 1200 વર્ષ પૂર્વે અવતર્યા હતા, આશરે 11મી સદીની આસપાસની આ વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનું રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાયે માલધારી હતા, અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમના ધર્મપત્ની પણ માયાળું અને ઈશ્વર ભક્તિમા લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હોવાના લીધે ઘરે દુજણા અને લક્ષ્મીનો પર ન હતો. પણ ખોળાનો ખુદનાર ન હતો. તેનું દુ:ખ દેવળબાને ચાલ્યા કરતું હતું, અને બંને દંપતી એક માયાળું અને ઉદાર દિલના હતા, તેને આંગણે આવેલા કદી પાછા કે, ભૂખ્યા ન જાય એવો વણલખ્યો નિયમ હતો.

જોકે, તે સમયમાં ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શીલદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી, કહેવાય છે કે, જ્યાં સુધી મામડિયા ચારણ ન આવે, ત્યાં સુધી દરબારમાં કઈ ખૂટતું હોય તેવું લાગતું. શીલદિત્ય રાજાના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા, રાજા અને મામડિયા ચારણ વચ્ચેની મિત્રતા કેટલાક લોકોને પસંદ ન હતી. રાજાના મનમાં એવું મનાવવામાં આવ્યું કે, મામડિયા ચારણ નિ:સંતાન છે, તેનું મોં જોવાથી અપશુકુન થાય, જેથી ભવિષ્યમાં આપણું રાજ ચાલ્યું જશે, ત્યારે એક દિવસ મામડિયા ચારણ પોતાના નિત્યક્રમ મુજબ દરબારમાં આવ્યા, ત્યારે લોકો દ્વારા કહેલી વાત થઈ. રાજા એક જ વાક્યમાં બોલ્યા મિત્રતા અહી પૂરી થઈ.

એમ કહી શીલદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા, ત્યારે રાજાનો હેતુ લોકો પાસેથી જાણીને મામડિયા ચારણને બહુ દુ:ખ થયું. આમ જેને જેને સામે મળ્યા તે વાનજીયા મેણું મારવા લાગ્યા, ત્યારે પરત તેમના ગામ આવી તેમના પત્નીને વાત કરી, ત્યારથી તેમને તેની જિંદગી ઝેર લાગવા લાગી, અને તેણે ભગવાન શિવની સામે બેસી મસ્તક ટેકવીને નિશ્ચય કર્યો કે, તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચઢાવશે. મામડિયા ચારણ ભગવાનની આરાધના કરવા લાગ્યા.

પરંતુ કઈ સંકેત ન મળતા અને પોતાનું મસ્તક તલવારથી કાપવા લાગ્યા, ત્યાં તરત જ ત્રીનેત્રધરે ભગવાન શિવ પ્રસન્ન થયા. મામડિયાને વરદાન માંગવા કહ્યું ત્યારે મામડિયાએ પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગ્યું, ત્યારે ભગવાન શિવ બોલ્યા કે, પાતાળ લોકની નાગ પુત્રીઓ અને નાગ પુત્ર એમ 7 પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ મામડિયા ચારણ ખુશ થઈ અને તેમના પત્નીને વાત કરી.

કહેવાય છે કે, દેવળબાએ ભગવાન શિવના કહેવા મુજબ, મહા સુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને એક નાગ આવી ગયા. જે તરત જ મનુષ્યના બાલ સ્વરૂપે પ્રગટ થયા. આ મામડિયા ચારણના ઘરે અવતરેલ જોગણીઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખીયો રાખવામાં આવ્યું, જ્યારે ખોડિયાર માઁનાં નામની પાછળ પણ એક રોચક કથા છે, માતાજીનું નામ ખોડિયાર કેમ પડ્યું..? તેની પાછળ આવી કથા છે કે, એક વાર મામડિયા ચારણના સૌથી નાના સંતાન મેરખીયાને ઝેરી સાપે ડંખ માર્યો, તેની વાત મળતા જ માતા-પિતા અને સાતેય બહેનોના જીવ અધ્ધર થઈ ગયા, અને ઝેર કેવી રીતે ઉતરે એ વિચારતા હતા.

તેવામાં કોઈએ ઉપાય બતાવ્યો કે, પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઊગે તે પહેલા લાવવામાં આવે તો મેરખીયાનો જીવ બચી શકે છે. તે સાંભળીને બહેનોમાં સૌથી નાના બહેન જાનબાઈ પાતાળમાં કુંભ લેવા ગયા, જ્યારે કુંભ લઈને આવતા હતા, ત્યારે તેમને રસ્તામાં ઠેશ વાગી જેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી, ત્યારે તેની બહેનોને એવો સંકેત થયો કે, જાનબાઈને કોઈ તકલીફ તો નથી થઈને, ત્યારે કુંભ લઈને ઝડપથી આવી શકાઈ તે માટે માઁ એ મગરની સવારી કરી, જેથી તેમનું વાહન મગર જ છે, જ્યારે બહાર આવ્યા ત્યારે તેઓ ખોડતાં ચાલતા હતા, અને ત્યારથી જ તેમનું નામ ખોડિયાર પડ્યું. ત્યાર પછી તેમને લોકો ખોડિયારના નામથી ઓળખવા લાગ્યા, જ્યારે ગુજરાતમાં માઁ ખોડિયારનું મંદિર માટેલ, રાજપરા, કાગવડ, ગળધરા અને રોહિશાળામાં આવેલ છે.

જોકે, માઁ ખોડિયારના અનેલ મંદિર ધરા પર જ આવેલ છે, જ્યારે માટેલમાં ઊચી ભેખડ પર વરખડીના ઝાડ નીચે ખોડિયાર માઁનું મંદિર આવેલું છે, માતાજીના 2 સ્થાનક છે. જુના સ્થાનકમાં મૂર્તિ પર સોના-ચાંદીના છત્તર જુમે છે, અને નવા સ્થાનકમાં માઁની આરસ પથ્થરની મૂર્તિ છે. અહી ભક્તો ચાંદલો અને ચુંદડી અર્પણ કરે છે. અને એવું પણ કહેવાય છે કે, માટેલ ધારામાં માઁનું સોનાનું દેવળ છે. એટલે જ કહેવાય છે કે, ગળધરેથી માજી નીકળ્યા આવ્યા માટેલ ધામ રે હા…

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

Latest