Saturday, September 23, 2023

ઉનાળામાં બાળકો માટે ઘરે જ બનાવો મેંગો ફ્રુટી, પીને ખુશ ખુશ થઈ જશે

ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. ગુજરાતના ઘણા શહેરોમાં 40 ડિગ્રીને તાપમાન વટાવી જાય છે. બપોરના સમયે તો ધખધખતો તાપ પડે છે, જેના કારણે બપોરે 1થી 4ના સમયગાળામાં તો લોકો કામ સિવાય બહાર જવાનું પણ ટાળે છે. બપોરના સમયગાળા દરમિયાન રોડ-રસ્તાઓ સાવ સૂમસાન જોવા મળે છે. આવી ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે લોકો શેરડીનો રસ, ફળોનું જ્યુસ, છાશ, લસ્સી, આઈસક્રીમ, કુલ્ફી, ઠંડા પીણા વગેરેનું સેવન કરે છે.

બાળકોને તો બસ ફ્રુટી આપી દો એટલે બીજુ કંઈ જ જોય. બાળકોને મેંગો ફ્રુટી બહુ ભાવે છે. જેથી ઘણા બાળકો દરરોજ માતા-પિતા પાસે ફ્રુટી માટે જીદ કરે છે. શું તમારા બાળકને પણ ફ્રુટી બહુ ભાવે છે તો તેમ બહારથી લાવવાને બદલે ઘરે જ ટેસ્ટી ફ્રુટી બનાવી શકો છો. તેને પીધા પછી બાળકો બહારની ફ્રુટીનો સ્વાદ ભૂલી જશે. તો ચાલો જાણીએ મેંગો ફ્રુટી ઘરે કેવી રીતે બનાવી શકાય છે.

મેંગો ફ્રુટી બનાવવા માટેની સામગ્રી:
પાકેલી કેરી – 04, કાચી કેરી – 02 (મીડિય સાઈઝની), ખાંડ – 300 ગ્રામ, પાણી – જરૂર મુજબ

મેંગો ફ્રુટી બનાવવાની રીત

મેંગો ફ્રુટી બનાવવા માટે સૌથી પહેલા કાચી અને પાકી કેરીને છોલીને તેના ગોટલા કાઢીને અલગ કરી લો અને પલ્પને નાના ટુકડામાં કાપી લો. આ પછી ગેસ પર એક કુકર મૂકો, કુકરમાં સમારેલી કેરીની સાથે એક ગ્લાસ પાણી નાખો અને બે સીટી વાગે ત્યાં સુધી ગેસ ચાલુ રાખો.

સીટી વાગી જાય એટલે કેરીના પલ્પમાં ખાંડ નાખો અને તેને સારી રીતે હલાવો. આ પછી ફરીથી બે મિનિટ માટે તેને કૂકરમાં પકાવો. પછી તેનું ઢાંકણ ખોલી તેને થોડું ઠંડુ થવા માટે છોડી દો.

ઠંડુ થઈ જાય ત્યારે કેરીનું પાણી અલગ રાખો અને પલ્પને મિક્સરમાં સારી રીતે પીસીને તેની પ્યુરી બનાવી લો. હવે પ્યુરીને કેરીના પાણીમાં ઉમેરી દો. જો પલ્પ વધારે જાડું લાગે તો તેમાં થોડું વધારે પાણી ઉમેરી દો.

પછી તેને 1-2 કલાક માટે ફ્રીજમાં રાખી દો. બસ તમારી મેંગો ફ્રુટી બનીને તૈયાર છે. તેને ફ્રિજમાંથી કાઢો અને બરફના ટુકડા સાથે ગ્લાસમાં સર્વ કરી દો.

Related Articles

Latest