તમારા પરિવારમાં બાળકો સહીત ઘણા સભ્યો એવા હશે જેને અમુક પ્રકારના શાકભાજી નહીં ભાવતા હોય, તેને જોઈને તેઓ મોં બગડતા હશે. પરંતુ આજે અમે તમને એવી વાનગી વિશે જણાવીશું કે જે શાકભાજી સાથે બનાવવામાં આવશે તો પણ ઘરના લોકો તેને શોખથી ખાશે. આ વાનગી છે વેજ મેકરોની. મેકરોનીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. તે બાળકોની સાથે સાથે વડીલોની પણ પ્રિય વાનગી છે.
તે ખાવામાં જેટલી ટેસ્ટી છે તેટલી જ તેબનાવવામાં સરળ છે. તો ચાલો આજે તમને જણાવીએ કે આ વાનગી કેવી રીતે બને છે.
સામગ્રી
- મેકરોની પાસ્તા – 1 કપ
- ડુંગળી – 2 નંગ
- કેપ્સીકમ – 1 નંગ
- ટોમેટો પ્યુરી – 1 કપ
- ગરમ મસાલો – 1 ચમચી
- લાલ મરચું પાવડર – 1/4 ચમચી
- ટોમેટો સોસ – 1/4 ચમચી
- પાસ્તા મસાલા – 1 પેકેટ
- સ્વાદ માટે મીઠું
- જરૂર મુજબ તેલ
વેજ મેકરોની બનાવવાની રીત
- સૌપ્રથમ ડુંગળી અને કેપ્સીકમના નાના ટુકડા કરી લો.
- આ પછી એક કડાઈમાં તેલ મૂકીને મધ્યમ આંચ પર ગરમ કરો.
- તેમાં ડુંગળી અને કેપ્સીકમ ઉમેરીને હળવા સાંતળી લો.
- જ્યારે ડુંગળી અને કેપ્સિકમ સહેજ પારદર્શક થવા લાગે, ત્યારે ટામેટાની પ્યુરી ઉમેરો અને 2 મિનિટ પકાવો.
- પાસ્તા મસાલો, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો.
- જ્યારે મસાલાનું તેલ અલગ થઈ જાય, ત્યારે મેકરોની ઉમેરો અને મિક્સ કરો અને 1 થી 1.5 કપ પાણી ઉમેરો, ઢાંકી દો અને બાફવા દો.
- જ્યારે બધું પાણી સુકાઈ જાય, ત્યારે તેમાં ટોમેટો સોસ ઉમેરીને 2 મિનિટ પકાવો.
- નિર્ધારિત સમય પછી, ગેસ બંધ કરો અને પ્લેટમાં કાઢી લો.
- તમારી વેજ મેકરોની તૈયાર છે.