આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. ત્યારે વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે. સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તો ઉમટ્યા છે. રાજ્યના અન્ય શિવમંદિરોમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. ત્યારે તમે ઘરે બેઠા સોમનાથજીના ઓનલાઇન દર્શન કરો.

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મદાહેદનવા દર્શન માટે શ્રદ્ધાળુઓનું માનવ મેહરામણ ઉમટ્યું છે. વહેલી સવારે ચાર વાગ્યાથી સોમનાથમાં યાત્રિકોનો અવિરત પ્રવાહ શરૂ થયો છે. તો શ્રાવણના અંતિમ સોમવારે પાલખીયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ભક્તિપૂર્ણ માહોલમાં યાત્રિકો દાદાના દર્શને આવી રહ્યા છે.

સોમનાથમાં રેહવા જમવાની સુવિધાઓથી લઈને દર્શન તેમજ પ્રસાદની વ્યવસ્થા, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ સહિતની અનેકવિધ સુવિધાઓમાં શ્રાવણ માસમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે શ્રાવણ માસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ વખતે યાત્રીઓની સંખ્યા ગત વર્ષ કરતાં નોંધપાત્ર માત્રામાં વધવાની સંભાવના છે. સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહના રૂમોનું ઓનલાઇન બુકિંગ માત્ર સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પરથી જ થઈ શકશે. શ્રદ્ધાળુઓ પોતાના પ્રવાસ માટે એડવાન્સ બૂકિંગ કરી શકે છે. શંખ સર્કલથી સોમનાથ આવતા માર્ગને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા હેઠળ વન વે કરવામાં આવ્યો છે. આવનાર વાહનો પાર્કિગમાંથી પાછળના ભાગે સદભાવના ગ્રાઉન્ડ તરફના માર્ગ પરથી બહાર નીકળશે. પાર્કિંગમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી કેન્દ્ર બનાવવામાં આવશે. જ્યાંથી લોકોને સૂચનાઓ તેમજ મંદિર સુધી જવા માટે નિશુલ્ક વાહન વ્યવસ્થા કરી આપવામાં આવશે.

સોમનાથ મંદિરની બહાર સ્વાગત કક્ષ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે. જે યાત્રીઓને કોઈપણ મદદ માર્ગદર્શન પૂરું પાડશે. વૃદ્ધો અને દિવ્યંગો માટે વ્હીલ ચેર પણ પૂરી પાડવામાં આવશે. તેમજ અહીંથી સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવશે. પ્રવેશ વ્યવસ્થા એ રીતે રાખવામાં આવી છે જેમાં યાત્રીઓને પ્રથમ પોતાનો સામાન કલોક રૂમમાં જમાં કરાવી દર્શનની લાઈનમાં જવાનું રહેશે. તેમજ આ લાઈનમાં જ નિશુલ્ક જૂતાઘર વ્યવસ્થા પણ છે. મંદીરના પ્રવેશ અને નિકાસ માર્ગો પર હાઇ ક્વોલિટી ટેન્ટ લગાડીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વરસાદ અને તડકાની પરિસ્થિતિમાં યાત્રીઓને અગવડ ન પડે તેની કાળજી રાખી છે.

મંદિરમાં જઈ રહેલા ભક્તો શ્રાવણ માસમાં ઓમ નમઃ શિવાય ની (માળા) જાપ કરી શકે તે માટે દિગ્વિજય દ્વાર સામે મંત્ર જાપ કુટીરની વ્યવસ્થા સરદારશ્રી પ્રતિમા નજીક ગોઠવવામાં આવી છે. પ્રવેશ અને નિકાસ બન્ને રસ્તે શ્રધ્ધાળુઓને પીવાના પાણી માટે ફિલ્ટર પાણીના પરબ પણ ગોઠવવામાં આવ્યા છે. આ શ્રાવણ માસમાં આવતા તમામ યાત્રિકો માટે સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓ, પોલીસ સ્ટાફ, એસ.આર.પી તરફથી વર્તનમાં “અતિથિ દેવો ભવ:”નું સૂત્ર ચરિતાર્થ થાય તે માટે સંકલન કરીને મંદિરમાં રેહનાર તમામ સ્ટાફને શાલીન વર્તન અંગે સૂચના આપવામાં આવી છે.

શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારો અનુસાર અલગ-અલગ શણગાર કરવામાં આવશે. આ શૃંગારના નિયત કરેલા ન્યોછાવર રાશિ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઇન તેમજ પૂજાવિધિ કાઉન્ટર પર આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે. સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, પાઘ પૂજા, માર્કન્ડેય પૂજા, કાલસર્પ યોગ નિવારણ વિધિ, સુવર્ણ કળશ પૂજન જેવી પૂજાના અનુભવને એક સ્તર ઉપર લઈ જવાં માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વખતે પ્રથમ વખત મંદિરના સંકીર્તન ભવન ખાતે સ્વતંત્ર પૂજા માળખું વિકસાવ્યું છે. જેમાં પૂજા નોંધણી, સ્લોટ અનુસાર પૂજા કાર્યક્રમ અને s.o.p હેઠળ આયોજન કરવામાં આવ્યા છે.

જેના માટે વિશેષ અધિકારી કર્મચારી નો સ્ટાફ ફાળવવામાં આવેલ છે. શ્રાવણમાસ દરમ્યાન ટ્રસ્ટની યજ્ઞશાળામાં મહામૃંત્યુંજય યજ્ઞમાં નજીવી ન્યોછાવર રાશિ થી ભાવિકો હોમ કરી યજ્ઞનો લાભ લઇ શકશે. તેમજ શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઘરે બેઠા માત્ર 21₹માં ઓનલાઇન બિલ્વ પૂજા નોંધાવી શકશે જેનો પ્રસાદ ભકતોને પોસ્ટ મારફત ઘરે બેઠા પહોંચાડવામાં આવશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)