શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને ત્રણ લોકોએ બેઝબોલના દંડા વડે માર માર્યો હતો. આ શખ્સોએ ફરિયાદીને પોલીસનો માણસ કહીને અરજીઓ કરતા હોવાનો આરોપ મૂકીને બોલાચાલી ઝઘડો કર્યો હતો. ઝઘડો કરતા સમયે તેણે ખાડિયાના પીઆઇ અને વહીવટદારો પણ તેનું કાંઇ નહીં કરે તેમ કહીને તે ત્યાંથી ફરાર થતા ખાડિયા પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, સારંગપુરની પંડિતજીની પોળમાં રહેતા પારીતોષભાઇ રાવલ ટ્રાવેલ એજન્સીનું કામ કરે છે. બે દિવસ પહેલાં તેઓ પોળના નાકે બેઠા હતા. ત્યારે રાકેશ રાઠોડ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. રાકેશે પારીતોષભાઇને કહ્યું હતું કે, હું તારી સાથે પ્રેમભાવની રીતે વાતચીત કરવા આવ્યો છું અને કહ્યુ હતુ કે, તું સામાજિક કાર્યકર્તા થઇ ગયો છે અને લોકો વિરુદ્ધ ખોટી ખોટી અરજીઓ કરી ખંડણી ઉઘરાવે છે. મનહર લોધા વિરુદ્ધ પણ આવી અરજી કરી છે અને તે મારા પ્રત્યે દ્વેશભાવ રાખી વિજિલન્સ તથા ક્રાઇમવાળા દ્વારા મારા ત્યાં રેઇડ કરાવી હતી તેમ કહી બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ફોન કરીને કોઇ જીગો તથા કાના નામના વ્યક્તિને ત્યાં બોલાવ્યા હતાં.
ત્યારબાદ રાકેશે બેઝબોલના દંડાથી ફરિયાદીને માર મારવા લાગ્યો હતો. જ્યારે કાનાએ અને જીગાએ પણ તેમને માર માર્યો હતો. ફરિયાદી મોબાઇલ ફોન કરીને પોલીસને ફોન કરવા જતા ફોન નીચે ફેંકી દીધો હતો. જ્યારે રાકેશે જતા જતા કહ્યું હતું કે, ‘પોલીસ તો મારા ખિસ્સામાં છે તથા ખાડીયા પીઆઇ તથા વહીવટદારો તો મારા ખાસ મિત્ર છે અને આ મારા સાહેબ મારું કંઇ નહીં બગાડી શકે અને હું તને રાયપુર ખાડીયા નહીં પણ આ દુનિયા છોડાવી દઇશ.’ જો કે ફરિયાદીના પુત્ર વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધમા ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.