ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમના બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ મેચમાં શ્રીલંકાની ટીમ 15.2 ઓવરમાં માત્ર 50 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ સિરાઝની બોલિંગનો કહેર જોવા મળ્યો છે.
સિરાઝે 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 3 અને બુમરાહે 1 વિકેટ પ્રાપ્ત કરી છે.
શ્રીલંકા સૌથી ઓછો સ્કોર બનાવનારી ટીમ બની
શ્રીલંકાની ટીમના બેટ્સમેનોએ ફાઈનલ મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. આ સાથે શ્રીલંકાના નામે 3 શર્મનાક રેકોર્ડ દાખલ થયા છે. ભારત વિરુદ્ધ હવે વનડે ફોર્મેટમાં કોઈ ટીમનો સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ શ્રીલંકાના નામે નોંધાયો છે. આ પહેલાં બાંગ્લાદેશના નામે આ રેકોર્ડ હતો. વર્ષ 2014માં ટીમ ઈન્ડિયાએ મીરપુરમાં રમવામાં આવેલી વનડે મેચમાં બાંગ્લાદેશને 58 રન પર ઓલઆઉટ કર્યું હતું.
વનડે ઈતિહાસના ફાઈનલમાં શ્રીલંકાએ બનાવ્યો સૌથી ઓછો સ્કોર
વનડે ફોર્મેટમાં અત્યાર સુધી કોઈ પણ ટૂર્નામેન્ટમાં રમવામાં આવેલી ફાઈનલ મેચમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે. આ પહેલાં પણ આ રેકોર્ડ શ્રીલંકાના નામે જ હતો. વર્ષ 2000માં શારજાહમાં રમવામાં આવેલી ફાઈનલ મેચમાં તે માત્ર 54 રન પર ઓલઆઉટ થઈ હતી.
શ્રીલંકાનો વનડેમાં બીજી વખત સૌથી ઓછો સ્કોર
શ્રીલંકન ટીમનો વનડે ફોર્મેટના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી ઓછો સ્કોર જોવામાં આવે તો સાઉથ આફ્રિકા વિરુદ્ધ વર્ષ 2012માં 43 રન હતો. આ ઉપરાંત તેનો બીજો સૌથી ઓછો સ્કોર આ મેચમાં થયો છે. આ મેચમાં શ્રીલંકન ટીમ 50 રન પર ઓલઆઉટ થઈ હતી. સાથે ફાઈનલ મેચમાં શ્રીલંકાના માત્ર 2 ખેલાડીએ ડબલ ડિજિટનો આંકડો પાર કર્યો હતો.