વર્લ્ડ કપ ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે અને અમદાવાદમાં મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો પહોંચી શકે છે, જેની હોટલ બિઝનેસ પર સારી અસર જોવા મળી રહી છે. અને સામાન્ય રીતે 4 થી 5 હજારનું ભાડુ ધરાવતા રૂમનો સામાન્ય ભાવ 50 હજારને પાર પહોંચી ગયો છે. તો કેટલીક હોટેલના એક રૂમનું એક રાત્રીનુ ભાડુ એક લાખને પાર પહોંચ્યું છે.
અમદાવાદમાં ઘણી હોટલોમાં તો 18 નવેમ્બરનું બુકીંગ પણ બંધ થઈ ગયું છે. અગાઉ જે લક્ઝરી હોટલ રુમના ભાવ 18થી 19 હજાર હતા તે વધીને 50 હજારથી 77 હજાર અને 1 લાખ સુધી પહોંચી ગયા છે. જ્યારે થ્રી સ્ટાર અને ફાઈવ સ્ટારના 10 હજારથી વધારે રુમ છે, ત્યારે આવા પ્રકારની ડિમાન્ડ ભારત- પાકિસ્તાન મેચ વખતે પણ જોવા મળી હતી.
હોટલ ઉપરાંત એરલાઈન્સના ભાડામાં પણ વધારો થયો હોવાનું સામે આવ્યું છે. મુંબઈ- અમદાવાદ એરફેર અલગ – અલગ કંપનીઓમાં 28 હજારથી લઈને 30 હજાર સુધી પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે મુંબઈ – અમદાવાદનો એરફેર 3 હજાર રુપિયાની આસપાસ છે.
ફાઈનલ જોવા મોટી સંખ્યામાં VIP થી VVIP આવી શકે છે. જેથી અમદાવાદ એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી શકે છે. તેમજ ઘણાં પ્રાઈવેટ જેટથી લઈ વિવિધ ફ્લાઈટ અમદાવાદ આવી શકે છે. જેના માટે અગાઉ જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગાઇડલાઈન આપવામાં આવી છે.